પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ, ભારત સરકારના "ઓપરેશન અજય" હેઠળ 286 વધુ નાગરિકોને ઈઝરાયેલના યુદ્ધ વાતાવરણમાંથી બહાર કાઢીને નવી દિલ્હી લાવવામાં આવ્યા છે. જેમાં નેપાળના 18 નાગરિકો પણ સામેલ છે.
માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગને આ તમામ નાગરિકોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ તમામને ઓપરેશનના ભાગરૂપે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઘરે લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ઓપરેશન અજય અંતર્ગત પાંચમી ફ્લાઈટમાં 18 નેપાળી નાગરિકો સહિત 286 મુસાફરો આવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કરતા માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરુગનની તસવીરો પણ શેર કરી હતી. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દ્વારા આવેલા મુસાફરોમાં રાજ્યના 22 લોકો હતા.