મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદે બઘડાતી બોલાવી, ભારે વરસાદના કારણે 7 લોકોનાં મોત.....

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. માલવા અને મધ્ય ક્ષેત્રમાં સતત વરસાદથી જનજીવન ઠપ થઇ ગયું છે. છેલ્લા ૪૮ કલાકથી પડી રહેલા વરસાદને કારણે અનેક રેકોર્ડ તૂટી ગયા છે. ભારે વરસાદને કારણે મધ્ય પ્રદેશના બડવાનીમાં ચાર, ખરગોનમાં એક તથા બૈતુલમાં બે લોકોનાં મોત થયા છે. આમ મધ્ય પ્રદેશમાં કુલ સાત લોકોનાં મોત થયા છે. ભારે વરસાદને કારણે રાજસ્થાનમાં પણ સાત લોકોનાં મોત થયા છે.
ઇન્દોર, ઉજ્જૈન, ખરગોન, ખંડવા, રાયસેન, હરદા અને દમોહમાં એસડીઆરઇએએફ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૦૦થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. જળમગ્ન વિસ્તારોમાં ફસાયેલા લોકોને રાહત શિબિરોમાં લઇ જવામાં આવી રહ્યાં છે. રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં વરસાદ આધારિત ઘટનાઓમાં કુલ સાત લોકોનાં મોત થયા છે. હવામાન વિભાગે અનેક વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જારી કરી છે. મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાં ભારે વરસાદને કારણે છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. બૈતુલના ભીમપુરમાં એક જ દિવસમાં ૧૭.૮ ઇંચ વરસાદ પડયો છે.