/connect-gujarat/media/media_files/2025/12/31/scsc-2025-12-31-09-37-44.jpg)
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જોશીમઠમાં વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાઇટ પર ટનલમાં બે ટ્રેનો વચ્ચે ટક્કરમાં 70 લોકો શ્રમિકો ઘાયલ થયા છે. ગત રાત્રે 10 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. જેમાંથી 66 લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે ચાર ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ચમોલી જિલ્લાના પીપલકોટીમાં નિર્માણાધીન ટીએચડીસી વિષ્ણુગાડ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના ટીબીએમ સાઇટ પર મંગળવારે રાત્રે શિફ્ટ ચેન્જ દરમિયાન કામદારોને લઈ જતી બે ટ્રેન ટનલની અંદર અથડાઈ હતી. ઘટના સમયે 109 કામદારો ટનલની અંદર હાજર હતા. હવે ફક્ત ચાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, બાકીનાને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે.ઘટનાની માહિતી મળતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જિલ્લા મેજિસ્ટ્રેટ ચમોલી સાથે ફોન પર વાત કરી અને ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને તમામ ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવા અને જરૂરિયાત મુજબ તેમને ઉચ્ચ હોસ્પિટલોમાં રિફર કરવાનો નિર્દેશ આપ્યો.