/connect-gujarat/media/media_files/2025/10/06/images-2025-10-06-09-55-26.jpeg)
જયપુરમાં સવાઈ માન સિંહ હોસ્પિટલ (SMS હોસ્પિટલ) ના ટ્રોમા સેન્ટરમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે આવેલા ICU વોર્ડમાં ફેલાઈ ગઈ હતી,
જેના કારણે સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં ગભરાટ ફેલાયો હતો. ઘટના સમયે 24 દર્દીઓ ICUમાં હતા. આગની જ્વાળાઓ જોઈને ICU વોર્ડની બહારના હોસ્પિટલ સ્ટાફ અને એટેન્ડન્ટ્સ તાત્કાલિક હરકતમાં આવ્યા અને દર્દીઓને તેમના પલંગ સાથે બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.
આ ઘટનામાં ઓછામાં ઓછા છ દર્દીઓના ગૂંગળામણથી મૃત્યુ થયા હતા અને ઘણા અન્ય લોકો ગંભીર સ્થિતિમાં છે. SMS હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે, "ટ્રોમા સેન્ટરમાં બીજા માળે બે ICU છે. એક ટ્રોમા ICU અને એક સેમી-ICU. 24 દર્દીઓ દાખલ હતા. ટ્રોમા ICUમાં 11 અને સેમી-ICUમાં 13 દર્દીઓ દાખલ હતા. ટ્રોમા ICUમાં શોર્ટ સર્કિટ થયું હતું અને આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. મોટાભાગના ગંભીર દર્દીઓ બેભાન હતા."
પાંચ વધુ દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે.
ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, "અમારી ટ્રોમા સેન્ટર ટીમ, અમારા નર્સિંગ ઓફિસરો અને વોર્ડ બોય્સે તાત્કાલિક તેમને બચાવ્યા હતા અને શક્ય તેટલા દર્દીઓને ICUમાંથી બહાર કાઢ્યા હતા. તેમાંથી છની હાલત ગંભીર હતી. અમે CPR દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. પાંચ દર્દીઓ હજુ પણ ગંભીર છે. મૃતકોમાં બે મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે. તેમની ઓળખ પિન્ટુ (સિકર), દિલીપ (આંધી), શ્રીનાથ (ભરતપુર), રુકમણી (ભરતપુર), ખુશ્મા (ભરતપુર) અને બહાદુર (સાંગાનેર) તરીકે થઈ છે."