/connect-gujarat/media/media_files/2025/11/14/sc-2025-11-14-20-24-43.jpg)
મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં દિલ્હીફ–મુંબઈ એક્સપ્રેસવે પર શુક્રવારની સવારે થયેલો ભયાનક અકસ્માત અચાનક જ સમગ્ર વિસ્તારમાં હંગામો મચાવી ગયો. વધારે સ્પિડે દોડતી XUV 700 કાર અચાનક નિયંત્રણ ગુમાવી બ્રીજની મજબૂત રેલિંગને પાર કરીને ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીના પરખચાં ઉડી ગયા અને સ્થળ પર જ પાંચ લોકોના મોત નિપજ્યા. મૃત્યુ પામેલા લોકોમાં 12 વર્ષનો નાનો બાળક પણ સામેલ હોવાનું પ્રાથમિક માહિતી પરથી જાણવા મળ્યું છે.
અકસ્માતના ધડાકાભેર અવાજથી આજુબાજુના ગામવાસીઓ દોડતા-દોડતા સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ જોઈને સન્ન થઈ ગયા. કાર એટલી બધી ચકનાચૂર થઈ ગઈ હતી કે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે વિશેષ સાધનોની જરૂર પડી. થોડા સમય બાદ પોલીસ અને રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. લાંબી મહેનત પછી અંતે મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.
જો કે હજી સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે જણાવ્યું કે વાહન પર મળેલા મટિરિયલ અને અન્ય પુરાવા પરથી ઓળખ પ્રક્રિયા ચાલુ છે જેથી પરિવારજનોને ટૂંક સમયમાં જાણ કરી શકાય. ગાડીના નંબર પરથી જાણવા મળે છે કે કાર દિલ્હી તરફથી મુંબઈ જતી હતી. પરંતુ અકસ્માત કઈ રીતે થયો તે અંગે હજી સ્પષ્ટતા નથી થઈ.