/connect-gujarat/media/media_files/2026/01/06/iran-2026-01-06-09-37-18.jpg)
ઈરાનમાં વધતી મોંઘવારી, રોજગારની અછત અને નબળી પડી રહેલી અર્થવ્યવસ્થાના કારણે સામાન્ય જનજીવન ભારે દબાણમાં આવી ગયું છે. આ પરિસ્થિતિથી નારાજ લોકો હવે ખુલ્લેઆમ ઈસ્લામિક શાસન સામે અવાજ ઉઠાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક મોટા શહેરોમાં સરકાર વિરોધી દેખાવો સતત ચાલી રહ્યા છે. તેહરાન, ઇસ્ફહાન, મશહાદ, શિરાઝ અને કોમ જેવા શહેરોમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓ શાસનથી મુક્તિની માંગ કરી રહ્યા છે અને સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની વિરુદ્ધ ઉગ્ર નારા લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે હાલની સરકાર દેશને આર્થિક અને સામાજિક રીતે પાછળ ધકેલી રહી છે.
આ તરફ ઈરાન સરકાર આ વિરોધોને લોકઆંદોલન માનવાની જગ્યાએ તેને વિદેશી શક્તિઓનું ષડયંત્ર ગણાવી રહી છે. શાસક તંત્રએ સુરક્ષા દળોને કડક પગલાં લેવા આદેશ આપ્યો છે. પરિણામે અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ જોવા મળી છે.માનવ અધિકાર કાર્યકરોના અહેવાલ મુજબ, આ હિંસક કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે અને 1,200 થી વધુ લોકોને ધરપકડમાં લેવામાં આવ્યા છે. મૃતકોમાં સામાન્ય નાગરિકો ઉપરાંત બાળકો અને સુરક્ષા કર્મચારીઓ પણ સામેલ હોવાનું જણાવવામાં આવે છે.