એશિયન ગેમ્સ 2023માં ભારત અને નેપાળ ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડાબોડી ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે સદી ફટકારી છે. જયસ્વાલે તેની સદી (100) 48 બોલમાં પૂરી કરી હતી. તેની સદીમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ટી-20 ઈન્ટરનેશનલમાં જયસ્વાલની આ પ્રથમ સદી છે. ભારતીય બેટ્સમેનોએ મેચની શરૂઆતથી જ આક્રમક શૈલી અપનાવી હતી. તે 49 બોલમાં 100 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરવા આવેલા જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. આ પહેલા તેણે T20 ઈન્ટરનેશનલમાં એક 1 અડધી સદી ફટકારી છે. 2023માં રમાયેલી આઇપીએલમાં પણ જયસ્વાલે સદી ફટકારી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. T20 સિવાય તેણે ટેસ્ટમાં પણ સદી ફટકારી છે.
જયસ્વાલ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. 2023ની સીઝનમાં તેણે 14 મેચની 14 ઇનિંગ્સમાં 48.08ની એવરેજ અને 163.61ની સ્ટ્રાઇક રેટથી 625 રન બનાવ્યા હતા. તેની આઈપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 37 આઇપીએલ મેચ રમી છે. આ મેચોની 37 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 32.56ની એવરેજ અને 148.73ની સ્ટ્રાઇક રેટથી 1172 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 8 અડધી સદી ફટકારી છે.
21 વર્ષીય જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ સીરિઝમાં સદી ફટકારી હતી. તેણે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ રમી છે. ટેસ્ટની 3 ઇનિંગ્સમાં તેણે 88.67ની એવરેજથી 266 રન બનાવ્યા હતા. આ સિવાય 6 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં જયસ્વાલે 46.40ની એવરેજ અને 165.71ના સ્ટ્રાઈક રેટથી 232 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 1 અડધી સદી સામેલ છે.