New Update
/connect-gujarat/media/media_files/komcEXMQ8tJ243h59kKR.jpeg)
એક બાજુ દેશમાં ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે ને બીજી બાજુ ઉનાળામાં પણ ઠંડકની અનુભૂતિ કરાવતી કાશ્મીર ખીણ અત્યારે તપી રહી છે. શ્રીનગર હોય કે ગુલમર્ગ, સોનમર્ગ હોય કે પછી અમરનાથ યાત્રાનો રૂટ, પહેલી વાર સમગ્ર ખીણમાં લૂ ફૂંકાઈ રહી છે. પારો સતત 32 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યો છે. ગુરુવારે 35.7 ડિગ્રી તાપમાન હતું જે સામાન્યથી લગભગ 7 ડિગ્રી વધુ છે. આ પહેલાં 9 જુલાઈ, 1999એ શ્રીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ચોમાસું જમ્મુ-કાશ્મીરના બારણે ટકોરા દઈ રહ્યું છે ત્યારે હીટવેવને પગલે ખીણની શાળાઓમાં 17 જુલાઈ સુધી ઉનાળાની રજા જાહેર કરી દેવાઈ છે. આરોગ્ય વિભાગે પણ હૅલ્થ એડ્વાઇઝરી પ્રસિદ્ધ કરી છે. જે વિસ્તારોમાં 15 દિવસ પહેલાં જ્યાં ભારે ભીડ હતી ત્યાં ઉનાળાને કારણે પ્રવાસીઓ ઘટી ગયા છે. આગામી 3-4 દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે પરંતુ વરસાદ પછી ફરીથી તાપમાનમાં વધારો થવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.