અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. તે દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગઈ છે. અદાણી પરિવારે એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા સ્વિસ કંપની હોલ્સિમ સાથેના વ્યવહારો પૂર્ણ કર્યા છે, એમ એક નિવેદનમાં જણાવાયું હતું.
આ સોદામાં સેબીના ધારાધોરણો મુજબ ઓપન ઓફર મારફતે અંબુજા અને એસીસીમાં હોલ્સિમનો હિસ્સો હસ્તગત કરવાનો પણ સમાવેશ થાય છે. અદાણી ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હોલ્સિમના હિસ્સા અને અંબુજા સિમેન્ટ્સ અને એસીસી માટે ઓપન ઓફરનું મૂલ્ય 6.50 અબજ ડોલર છે, જે અદાણી જૂથ દ્વારા કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું સંપાદન છે.
અધિગ્રહણ બાદ અદાણી અંબુજા સિમેન્ટ્સમાં 63.15 ટકા અને એસીસીમાં 56.69 ટકા હિસ્સો ધરાવશે. આ વર્ષે મે મહિનામાં અદાણી ગ્રુપે જાહેરાત કરી હતી કે તેણે ભારતમાં હોલ્સિમ લિમિટેડના બિઝનેસમાં હિસ્સો હસ્તગત કરવાનો સોદો કર્યો છે. હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસી મળીને 67.5 એમટીપીએની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. બંને કંપનીઓ ભારતની સૌથી મજબૂત સિમેન્ટ બ્રાન્ડ્સમાંની એક છે. કંપનીમાં 14 ઇન્ટિગ્રેટેડ યુનિટ, 16 ક્રશર યુનિટ, 79 મિક્સ્ડ કોંક્રિટ પ્લાન્ટ છે. આદિત્ય બિરલા જૂથની કંપની અલ્ટ્રાટેક 100 એમટીપીએની સ્થાપિત ક્ષમતાવાળા સિમેન્ટ વ્યવસાયમાં અગ્રેસર છે.