દિલ્હી NCR સહિત દેશના કેટલાક રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અને કાલે બે દિવસ માટે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં કાતિલ ઠંડી પડી રહી છે. બરફવર્ષાના કારણે પહાડો પરથી વહેતા ઝરણાં થીજી ગયા છે. ઠંડીનો પારો માઈન્સ ડિગ્રીમાં પહોંચ્યો છે.
પહાડોમાં સતત હિમવર્ષાના કારણે દિલ્હી-એનસીઆરમાં કાતિલ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ઠંડીના કારણે લોકો માટે હવે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શીત લહેર અને આકાશમાંથી પડી રહેલા ઝાકળની સાથે, ગાઢ ધુમ્મસ પણ સતત વધી રહ્યું છે, જેના કારણે દિલ્હી હવામાન કેન્દ્રએ લોકોને 5 જાન્યુઆરી, રવિવારના રોજ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની ચેતવણી આપી છે. સમગ્ર દિલ્હી એનસીઆરમાં કોલ્ડવેવનો પ્રકોપ છે. આ દરમિયાન, દિલ્હી હવામાન કેન્દ્ર દ્વારા 6 જાન્યુઆરી એટલે કે સોમવારે ભારે વરસાદની આગાહી પણ જારી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીએ દિલ્હી NCRમાં ભારે વરસાદને કારણે શિયાળાનો નવો તબક્કો શરૂ થશે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે.