અલ્હાબાદ હાઇકોર્ટે લવ મેરેજ કરનાર એક દંપતીના તલાકના મામલે પતિની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું હતું કે આજે લવ મેરેજ જેટલા ઝડપથી થઇ રહ્યા છે તેટલી જ ઝડપથી તેમાં વિવાદો પણ થઇ રહ્યા છે. આને ધ્યાનમાં લઇને હિન્દુ મેરેજ એક્ટમાં ફેરફાર કરવાની જરૂર છે.કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સુપ્રીમકોર્ટના 2006ના એ તારણના આધાર પર કોઇ સુધારા કરી શકે છે કે જ્યારે દંપતી વચ્ચે સ્થિતિ સુધરવા માટે કોઇ શક્યતા ન રહે તો તેમાં ધ્યાન આપવામાં આવે. હાલમાં હિન્દુ મેરેજ એક્ટમાં તલાક ઇચ્છતાં દંપતીને તલાકની અરજી કરવામાં આવ્યા બાદ પણ છ મહિના સુધી સાથે રહેવાની ફરજ પડે છે.
જસ્ટિસ વિવેકકુમાર બિરલા અને જસ્ટિસ ડોનાડી રમેશની બેન્ચે કહ્યું હતું કે હિન્દુ મેરેજ એક્ટ વર્ષ 1955માં બન્યા બાદ હવે સમયની સાથે કેટલાક ફેરફાર થયા છે. 1955માં લગ્નના સંબંધમાં ભાવનાઓ અને સન્માનનું સ્તર રહેતું હતું. એ વખતે આજના સમયની જેમ લગ્ન થતાં ન હતાં. હવે શિક્ષણ, નાણાંકીય સ્વતંત્રતા, જાતિ બંધન તૂટી ગયાં છે.