દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું લૉ પ્રેશર ઝોન હવે મિચોંગ વાવાઝોડામાં રૂપાંતરિત થઈ ગયું છે. આજે તે ઉત્તર તમિલનાડુના તટ પર ટકરાઈ શકે છે. હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર આ તોફાન પુડ્ડુચેરીથી લગભગ 250 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ, ચેન્નઈથી 230 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વ, નેલ્લોરથી 350 કિ.મી. દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે.
ક્યાં અને ક્યારે ટકરાશે?
મિચોંગ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફથી આગળ વધીને આજે દક્ષિણ આંધ્રપ્રદેશ અને ઉત્તર તમિલનાડુના તટ પર ત્રાટકી શકે છે. તેના પછી 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મિચોંગ મંગળવારે નેલ્લોર અને મછલીપટ્ટનમના બીચ પર ટકરાઈ શકે છે. તેની મહત્તમ ઝડપ 100 કિ.મી. પ્રતિકલાકની રહી શકે છે.
કેવી છે તૈયારી?
એક અહેવાલ અનુસાર સ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીમાં 21 ટીમો તહેનાત કરી દીધી છે. તેની સાથે 8 વધારાની ટીમને રિઝર્વ રખાઈ છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વમાં યોજાયેલી એનસીએમસીની બેઠકમાં વાવાઝોડામાં રાજ્ય સરકાર અને કેન્દ્રીય મંત્રાલય તથા વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. લગભગ 118 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.