નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં જંતર-મંતર ખાતે તા. 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી દેખાવો કરવાની પરવાનગી મળી ગઈ છે. જોકે, આ વર્ષે 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા સુધી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમ્યાન થયેલ હિંસા બાદ પ્રથમ વખત દિલ્હીમાં દેખાવો કરવાની ખેડૂતોને છૂટ મળી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમુક શરતોને આધીન ખેડૂતોને દેખાવો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
દિલ્હી ખાતે ગત વર્ષના ડિસેમ્બર માસથી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને હવે જંતર-મંતર ખાતે દેખાવો કરવાની પરવાનગી મળી છે, ત્યારે તા. 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દેખાવો કરવાની મંજૂરી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. જેમાં અમુક શરતોને આધીન જ ખેડૂતો દેખાવો કરી શકશે તેવું જાણવા મળી રહ્યું છે.
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડર પર ઠેર ઠેર દેખાવો કરી રહેલા ખેડૂતો સિંધુ બોર્ડર પર પહોંચી રહ્યાં છે. દિલ્હીમાં જંતર-મંતર અને બોર્ડર પર પોલીસ તેમજ સિક્યોરટી વધારવામાં આવી છે. પોલીસે ખેડૂતોને એ શરત પર મંજૂરી આપી છે કે, તે સાંસદ સુધી કોઈ માર્ચ નહીં કાઢી શકે. ભારતીય કિસાન યુનિયનના લીડર રાકેશ ટિકૈત 200 ખેડૂતો સાથે સિંધુ બોર્ડર ખાતે પહોચ્યા હતા. જ્યાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા સાંસદ લગાવી મોનસૂન સત્રની કાર્યવાહી પર પણ નજર રાખવાની તમામ તૈયારી બતાવી છે.
જોકે, આજદિન સુધી 3 કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માંગ સામે સરકાર દ્વારા કોઈપણ સમાધાન નહીં આવતા ખેડૂતો વિરોધના મુડમાં છે, ત્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, તે ખેડૂતોની માંગ મુજબ કાયદાઓમાં ફેરફાર કરી શકે છે. જોકે, કાયદો પરત લેવામાં આવશે નહિ આવે તેવું પણ સરકારના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.