Connect Gujarat
દેશ

JDUનું ભાજપમાં વિસર્જન : દાદરાનગર હવેલી-JDUના તમામ હોદ્દેદારો ભાજપમાં જોડાયા...

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના રાજકારણમાં ખળભળાટ મચે તેવો ઉલટ ફેર થયો છે,

X

દાદરા નગર હવેલીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતના સત્તાપક્ષ જેડીયુ અને સ્વ. મોહન ડેલકરના ગઠબંધનના સભ્યોએ સામૂહિક પક્ષ પલટો કરી અને જેડીયુનું દામન છોડી ભાજપમાં જોડાઈ જતા માત્ર ત્રણ બેઠકો ધરાવતા ભાજપે હવે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની સત્તા પર કબજો જમાવ્યો છે.

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના રાજકારણમાં ખળભળાટ મચે તેવો ઉલટ ફેર થયો છે, જ્યારે દાદરનગર હવેલી જિલ્લા પંચાયતના સત્તા પક્ષ સામૂહિક પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયો છે. મહત્વપૂર્ણ છે કે, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 17 બેઠકો પર જેડીયુ અને સ્વ. મોહન ડેલકરના ગઠબંધનના સભ્યો ચૂંટણી જીત્યા હતા, જ્યારે માત્ર 3 બેઠકો જ ભાજપના કબજે હતી. આથી દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત પર જીડીયુની સત્તા હતી. પરંતુ હવે દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ નિશા ભવર સાથે કુલ 17માંથી 15 સભ્યો જેડીયુનું દામન છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયેલ સભ્યોએ સામૂહિક પક્ષ પલટો કરીને તેની લેખિત જાણ રૂબરૂમાં કલેકટરને પણ કરી હતી, ત્યારે સેલવાસના અટલ ભવન પર જેડીયુમાંથી ભાજપમાં જોડાનાર દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત તમામ સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ માત્ર 3 બેઠકો ધરાવતી ભાજપ હવે દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત પર કબજો જમાવ્યો છે.

જોકે, બિહારમાં નીતીશકુમારે ભાજપ સાથેના છેડો ફાડી આરજેડી સાથે મળી સરકાર બનાવતા, ભાજપ સત્તા વિહોણું થયું હતું. નીતિશકુમારે છોડેલા સાથનો બદલો ભાજપે સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં લીધો છે, જ્યાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી જેડીયુનું અસ્તિત્વ જ ભાજપે ખતમ કરી દીધું છે. કારણ કે, દાદરા નગર હવેલી જેડીયુના પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જેડીયુ છોડી અને ભાજપમાં બેસી જતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણમાંથી જેડીયુનો એકડો નીકળી ગયો છે. આમ બિહારમાં નીતિશકુમારે રમેલા રાજકારણનો બદલો ભાજપે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લીધો છે, ત્યારે જેડીયુ છોડીને ભાજપમાં આવનાર દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ નિશા ભવર સહિત તેમના અન્ય આગેવાનોએ પણ દાદરા નગર હવેલીના વિકાસ માટે જેડીયુ છોડીને ભાજપમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે, દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત પર જીડીયુનો કબજો હતો. કુલ 20 સભ્યોનું સંખ્યાબળ ધરાવતા દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં 17 સભ્યોના સંખ્યાબળ સાથે જેડીયુ પ્રચંડ બહુમતીથી દાદરાનગર હવેલીની જિલ્લા પંચાયતમાં સત્તા ભોગવી રહ્યું હતું. પરંતુ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના જેડીયુના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણ સાથે તેમની સંગઠનની પૂરી ટીમ સાથે જેડીયુ સાષિત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ નિશા ભવર અને ઉપપ્રમુખ દીપક પ્રધાન સહિત જેડીયુના 17માંથી 15 સભ્યોએ પણ જેડીયુનું દામન છોડી અને ભાજપમાં બેસી જતા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના રાજકારણમાંથી ભાજપએ જેડીયુનો એકડો જ કાઢી નાખ્યો છે. આમ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના રાજકારણમાં ખળભળાટ મચાવી જેડીયુનું આખું સંગઠનનું માળખું ભાજપમાં ભળી જતા આવનાર સમયમાં પ્રદેશના રાજકારણમાં મોટા ઊલટ ફેર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

Next Story