ભારતીય ક્રિકેટ માટે રવિવારે એટલે કે આજે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. સલીમ દુરાનીએ ગુજરાતના જામનગરમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
એક સમયના ભારતીય ક્રિકેટના સિકસરના બાદશાહ ગણાતા ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ તારીખ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો, દુરાની માત્ર 8 મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો. આ પછી જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુરાનીનો પરિવાર ભારત આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જામનગરમાં જ રહેતા હતા. લાંબી બીમારી બાદ આજે તેમણે જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે.
સલીમ દુરાનીને 1960માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે એમને ભારત માટે કુલ 29 ટેસ્ટ મેચ રમી અને આ સમયગાળા દરમિયાન 1202 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે, આ સાથે જ એમને 75 વિકેટ લીધી હતી. દુરાની એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. આ સાથે તેઓ દર્શકોના કહેવા પર સિક્સર મારવા માટે પણ પ્રખ્યાત હતા.