ફ્રાંસનો ઐતિહાસિક નિર્ણય: ભારતને ફાઇટર જેટના એન્જિનની 100% ટેક ટ્રાન્સફર કરવા તૈયાર

સફ્રાન ભારતને એન્જિનના સૌથી મહત્વપૂર્ણ ભાગ ‘હોટ સેક્શનની ટેકનોલોજી પણ સોંપશે, જે અત્યાર સુધી કોઈ દેશે ભારતને આપવાની તૈયારીઓ દર્શાવી નહોતી.

New Update
tech

ભારતના રક્ષા ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે, કારણ કે ફ્રાન્સની પ્રખ્યાત એરોસ્પેસ કંપની ‘સફ્રાન’ ભારતને ફાઇટર જેટ એન્જિનની 100 ટકા ટેકનોલોજી ટ્રાન્સફર આપવા તૈયાર થઈ ગઈ છે. આ સમજૂતી હેઠળ સફ્રાન ભારતને એન્જિનના સૌથી મહત્વપૂર્ણ ભાગ — ‘હોટ સેક્શન’ —ની ટેકનોલોજી પણ સોંપશે, જે અત્યાર સુધી કોઈ દેશે ભારતને આપવાની તૈયારીઓ દર્શાવી નહોતી. આ ટેકનોલોજી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA), ભારતના પ્રથમ પાંચમી પેઢીના સ્ટેલ્થ ફાઇટર જેટ, માટે ઉપયોગમાં લેવામાં આવશે. ફાઇટર જેટ એન્જિન સ્વદેશી રીતે બનાવવા ભારત માટે વર્ષોથી સૌથી મોટી પડકારરૂપ બાબત રહી છે, અને આ સહકારને ભારતની રક્ષા ક્ષમતાઓમાં એક વિશાળ છલાંગ માનવામાં આવી રહી છે.

સફ્રાનના CEO ઓલિવિયર એન્ડ્રીઝ અનુસાર, આ ‘કંપ્લીટ ટેકનોલોજી ટ્રાન્સફર’ હશે, જેમાં DRDO સાથે મળીને નવું એન્જિન ડિઝાઇન અને વિકસાવવામાં આવશે. AMCA બે એન્જિનવાળું અદ્યતન મલ્ટિરોલ ફાઇટર એરક્રાફ્ટ હશે, જેમાં 120 થી 140 કિલો-ન્યુટન શક્તિ આપનાર એન્જિનનો ઉપયોગ થશે. આ અત્યંત શક્તિશાળી એન્જિન સ્ટેલ્થ મિશન, સુપરસોનિક ઉડાન અને આધુનિક યુદ્ધ માટે જરૂરી પર્ફોર્મન્સ પૂરો પાડશે. રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં DRDOના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) અને સફ્રાન વચ્ચે લગભગ 7 અબજ ડોલરના સંયુક્ત પ્રોજેક્ટની જાહેરાત થઈ શકે છે, જે ભારતના એરો-એન્જિન વિકાસ પરિપ્રેક્ષ્યમાં ઐતિહાસિક પગલું સાબિત થશે.

હાલમાં ભારતીય વાયુસેનામાં કાર્યરત લગભગ તમામ ફાઇટર જેટ — સુખોઈ, રાફેલ, મિરાજ અને તેજસ Mk-1A —માં વિદેશી એન્જિનનો જ ઉપયોગ થાય છે. ફાઇટર જેટના કુલ ખર્ચમાં એન્જિન અને તેનું મેન્ટેનન્સ સૌથી મોટો હિસ્સો ધરાવે છે, તેથી ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત આ એન્જિનનું સ્થાનિક ઉત્પાદન શરૂ થતાં ખર્ચમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવાની શક્યતા છે. સફ્રાનના CEOએ વધુમાં જણાવ્યું કે પ્રસ્તાવિત સમજૂતી હેઠળ કંપ્રેસર અને ટર્બાઇન ડિઝાઇન સંબંધિત તમામ હકોનો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ (IPR) પણ ભારતના નામે જ રહેશે, જે તેને લાંબા ગાળે સંપૂર્ણ સ્વાવલંબન તરફ દોરી જશે. આ ભાગીદારી ભારતને માત્ર આત્મનિર્ભર જ નહીં બનાવે, પરંતુ ભવિષ્યમાં એરો-એન્જિન નિકાસકર્તા દેશ તરીકે ઉભરવાની તકો પણ ખોલશે.

Latest Stories