/connect-gujarat/media/media_files/2024/10/27/irBOQMohQn9kbPHxsj9L.jpeg)
જર્મનીએ ભારતમાંથી કુશળ વ્યાવસાયિકોને આપવામાં આવતા વિઝાની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દર વર્ષે જર્મની માત્ર 20 હજાર વિઝા આપે છે, જે હવે વધારીને 90 હજાર કરવામાં આવ્યો છે. જર્મન સરકારનો આ નિર્ણય બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યાવસાયિક સંબંધો જાળવી રાખવામાં મદદરૂપ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 18મી એશિયા પેસિફિક કોન્ફરન્સ ઓફ જર્મન બિઝનેસને સંબોધિત કરતા આ જાણકારી આપી હતી.પીએમ મોદીએ કહ્યું, “અમે આવનારા 25 વર્ષમાં વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર કર્યો છે.
મને ખૂબ જ આનંદ છે કે આ મહત્વપૂર્ણ સમયે, જર્મન કેબિનેટે ‘ફોકસ ઓન ઈન્ડિયા’ ડોક્યુમેન્ટ જારી કર્યો છે. જર્મનીએ સ્કિલ્ડ ભારતીય પ્રોફેશનલ્સની વિઝાકોટાને 20 હજારથી વધારી 90 હજાર કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી જર્મનીમાં વિકાસને નવો વેગ મળશે. જર્મનીના આ નિર્ણય બાદ આ યુરોપિયન દેશમાં ભારતીયો માટે નોકરીની વધુ તકો ઉપલબ્ધ થશે.જર્મનીના નવા વિઝા નિયમો દર્શાવે છે કે તે ભારતના સ્કિલ્ડ વર્કફોર્સને આકર્ષવા માટે ઉત્સુક છે. આથી દર વર્ષે 20,000 થી 90,000 વિઝા આપવાથી, આઇટી, એન્જિનિયરિંગ, હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોના ભારતીય પ્રોફેશનલ્સને જર્મનીમાં કામ કરવાની વધુ તકો મળશે. આ નિર્ણય ભારત અને જર્મની વચ્ચે આર્થિક અને ટેકનોલોજિકલ સહયોગને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.