ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર

ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગુપ્ત એજન્સીઓએ આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

New Update
airport

ભારતના તમામ એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગુપ્ત એજન્સીઓએ આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 માટે આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન સિક્યોરિટીએ 4 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું જેમાં તમામ એરપોર્ટ્સ, એરસ્ટ્રીપ, હેલિપેડ, ફ્લાઈંગ સ્કૂલ અને ટ્રેનિંગ સંસ્થાઓમાં સુરક્ષા કડક કરવાના નિર્દેશ આપ્યા હતા.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલા ઈનપુટમાં આતંકવાદી અથવા અસામાજિક તત્વો દ્ધારા સંભવિત ખતરાની આશંકા છે. એવામાં કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા માટે તમામ સ્થળો પર સતર્કતા અને દેખરેખ રાખવાનું કહેવામાં આવ્યું છે.

એરપોર્ટ ટર્મિનલ, પાર્કિંગ, પેરિમીટર ઝોન અને અન્ય સંવેદનશીલ સ્થળોમાં સતત પેટ્રોલિંગ અને દેખરેખની સલાહ આપવામાં આવી છે. તે સિવાય તમામ સીસીટીવી સિસ્ટમને નોન સ્ટોપ એક્ટિવ મોડમાં રાખવામાં આવે અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળે તો તરત તેની તપાસ કરવામાં આવે.

સ્થાનિક પોલીસના સહયોગથી એરપોર્ટ સિટીસાઈડની સુરક્ષા વધારવામાં આવે. તમામ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો અને મુલાકાતીઓની ઓળખની તપાસ કરવામાં આવે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ કાર્ગો અને મેલની ક્લિયરિંગ અગાઉથી વિશેષ તપાસ ફરજિયાત કરવામાં આવ્યું છે. મુસાફરોની સંદિગ્ધ વસ્તુઓ અથવા ગતિવિધિઓની રિપોર્ટ કરવાના નિર્દેશ અપાયા છે. સમયાંતરે એનાઉસમેન્ટ્સ અને સિક્યોરિટી ડ્રિલ્સ કરવામાં આવે.

બીસીએએસએ તમામ એરપોર્ટ ડિરેક્ટર્સને નિર્દેશ આપ્યા છે કે તે સ્થાનિક પોલીસ, સીઆઇએસએફ, આઇબી અને અન્ય એજન્સીઓ સાથે કોઓર્ડિનેશન વધારે. તે સિવાય એરલાઈન પેસેન્જર સર્વિસ કમિટીની વિશેષ બેઠક બોલાવવાના નિર્દેશ અપાયા હતા.

Latest Stories