/connect-gujarat/media/media_files/2025/09/09/up-2025-09-09-20-26-28.jpg)
ભારતને તેના નવા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણન એ વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ (નિવૃત્ત) સુદર્શન રેડ્ડી ને હરાવીને વિજય મેળવ્યો છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ના રાજીનામાને કારણે આ ચૂંટણી યોજવી પડી હતી. આ ચૂંટણીમાં રાધાકૃષ્ણન ને 452 મત મળ્યા હતા, જ્યારે રેડ્ડી ને 300 મત મળ્યા. આ જીત સાથે, તેઓ 38 વર્ષ પછી તમિલનાડુ માંથી ઉપરાષ્ટ્રપતિ બનનારા બીજા વ્યક્તિ બન્યા છે. તેમનો વિજય ભાજપ અને NDA માટે મોટી સફળતા માનવામાં આવે છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 2025 નું પરિણામ જાહેર થતાં જ સી.પી. રાધાકૃષ્ણન દેશના બીજા સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે. ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર અને રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદી એ પ્રેસ કોન્ફરન્સમાં પરિણામોની માહિતી આપી.
તેમણે જણાવ્યું કે કુલ 767 સભ્યોએ મતદાન કર્યું હતું, જે 98.2% મતદાન દર્શાવે છે. આમાંથી, 752 મત માન્ય ગણવામાં આવ્યા, જ્યારે 15 મત અમાન્ય રહ્યા. સી.પી. રાધાકૃષ્ણન ને 452 મત મળ્યા, જ્યારે ઇન્ડી ગઠબંધન ના ઉમેદવાર સુદર્શન રેડ્ડી ને 300 મત મળ્યા. રાધાકૃષ્ણનને પ્રથમ પસંદગીમાં જ જીતવા માટે જરૂરી મત મળતા, તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા.
નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન નું પૂરું નામ છે. તેઓ ગૌંડર-કોંગુ વેલ્લાલા સમુદાયના છે, જે તમિલનાડુમાં એક પ્રભાવશાળી ઓબીસી સમુદાય છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી માત્ર 17 વર્ષની ઉંમરે આરએસએસ માં જોડાઈને શરૂ કરી હતી. તેમનું ભાજપ અને સંઘ પરિવાર સાથે ઊંડું જોડાણ રહ્યું છે. તેઓ તમિલનાડુમાં ભાજપનો એક મુખ્ય ચહેરો ગણાય છે.