/connect-gujarat/media/media_files/2026/02/23/ser-2026-02-23-10-59-38.jpg)
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ મામલે ઝટકો લાગ્યા પછી એશિયાના શેરબજારોમાં સકારાત્મક અસર જોવા મળી. જેના કારણે સોમવારે ભારતીય શેરબજાર પણ જોરદાર તેજી સાથે ખુલ્યું. BSE સેન્સેક્સ બજાર ખુલતાની સાથે જ 600થી વધુ અંક ઉછળી ગયો એટલે કે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો અને શેરના ભાવ ઝડપથી વધ્યા.
અમેરિકામાં જે કંઈ મોટો નિર્ણય થાય છે તેની અસર ભારતના શેરબજાર પર પણ પડે છે. ગયા અઠવાડિયે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર ગણાવીને રદ્દ કરી દીધા. ત્યારબાદ ટ્રમ્પે ફરી બધા દેશો પર 10% નો નવો ટેરિફ લગાવ્યો અને માત્ર 24 કલાકમાં તેને 15% કરી દીધો. પહેલા ટેરિફના કારણે વિશ્વભરના બજારોમાં ડરનો માહોલ હતો પરંતુ ટેરિફ હટતા જ બજારમાં ફરી તેજી જોવા મળી.સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 82,814 ની આસપાસ બંધ થયા પછી 82,906 પર ખુલ્યો અને થોડા જ સમયમાં 83,486 સુધી પહોંચી ગયો. નિફ્ટી પણ 25,571 પરથી વધીને 25,678 પર ખુલ્યો અને પછી ઝડપથી 25,771 સુધી પહોંચી ગયો. એટલે કે બજારમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
શેરબજારમાં શરૂઆતની તેજી દરમિયાન કેટલાક શેરોમાં ખાસ ઉછાળો જોવા મળ્યો. લાર્જકેપ કંપનીઓમાં અદાણી પોર્ટ્સ આશરે 2.80%, એક્સિસ બેંક 2.10%, કોટક બેંક 1.60% અને HDFC બેંક 1.50% જેટલા વધ્યા. મિડકેપ શેરોમાં ભારત ફોર્જ લગભગ 2%, પોલિસી બજાર અને પેટીએમ લગભગ 1.95% અને BHEL 1.50% સુધી ચઢ્યા. જ્યારે સ્મોલકેપ શેરોમાં કોહાન્સ લગભગ 4.80% અને IIFL આશરે 4.20% સુધી ઉછળ્યા એટલે કે આ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી.