/connect-gujarat/media/media_files/swopF9lB5vQqytmChJGm.png)
વર્તમાન સમયમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાસ આવી છે. તેનું મુખ્ય કારણ ટ્રમ્પની ટેરીફ નીતિ છે.
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના સત્રમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર UNGA માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પીએમ મોદીનો UNGA માં હાજરી ન આપવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લાદ્યો છે, ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ વધી ગયો છે.
23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે સત્ર
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વક્તાઓની યાદીમાં પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. UNGA ના 80મા સત્રમાં ઉચ્ચ સ્તરીય સામાન્ય ચર્ચા 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જેમાં પરંપરાગત રીતે બ્રાઝિલ સત્રની શરૂઆત કરશે, ત્યારબાદ અમેરિકા. પીએમ મોદીની સાથે, આ સત્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું.
ભારત મહાસભાને સંબોધિત કરશે
વક્તાઓની યાદી અનુસાર, ભારત 27 સપ્ટેમ્બરની સવારે મહાસભાને સંબોધિત કરશે. આ સત્રમાં, પ્રધાનમંત્રીના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં વર્ષનું સૌથી વ્યસ્ત રાજદ્વારી સત્ર ગણાતું આ ઉચ્ચ સ્તરીય સત્ર દર વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. આ વર્ષે આ સત્ર ઇઝરાયલ-હમાસ સંઘર્ષ તેમજ યુક્રેન-રશિયા સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે તેને મહત્વપૂર્ણ બનાવે છે.