/connect-gujarat/media/post_banners/2d40110879909a3359d671528ab461ade8bb77a1932139b84081d160e535f6a1.webp)
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન સંપૂર્ણપણે ભારતમાં યોજાશે કે નહીં તે અંગે અલગ-અલગ અહેવાલો આવી રહ્યા છે. હવે આ તમામ અહેવાલો પર ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે મૌન તોડ્યું છે. શાહે સ્પષ્ટ કર્યું છે કે IPL 2024 સિઝન સંપૂર્ણપણે ભારતમાં રમાશે અને બોર્ડની તેને UAE અથવા અન્ય કોઈ દેશમાં લઈ જવાની કોઈ યોજના નથી.
19 એપ્રિલથી શરૂ થનારી લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ જય શાહનું આ નિવેદન આવ્યું છે. IPLની નવી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે.ભારતીય બોર્ડે ગયા મહિને જ IPLનું શેડ્યૂલ જાહેર કર્યું હતું પરંતુ તે માત્ર 17 દિવસનું શેડ્યૂલ હતું, જેમાં માત્ર 21 મેચોના શેડ્યૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆત 22 માર્ચથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થવાની છે અને પ્રથમ તબક્કાની છેલ્લી મેચ 7 એપ્રિલે રમાશે. ત્યારે BCCIએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ટૂર્નામેન્ટના બાકીના ભાગનું શેડ્યૂલ સરકારી એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓ સાથે કામ કરીને જાહેર કરવામાં આવશે.ત્યારથી સતત એવી અટકળો ચાલી રહી હતી કે લોકસભા ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થાના પડકારને ધ્યાનમાં રાખીને બોર્ડ ટૂર્નામેન્ટના બાકીના ભાગનું આયોજન ભારતની બહાર કરી શકે છે. ચૂંટણી પંચે શનિવાર, 16 માર્ચે તારીખોની જાહેરાત કરતા પહેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બાકીનો ભાગ UAEમાં યોજાઈ શકે છે, જેના માટે બોર્ડ અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી રહ્યું છે. પરંતુ હવે BCCI સેક્રેટરી શાહે પોતે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.