ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ચાર મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 29 હજાર લોકોના મોત થયા છે. આ દરમિયાન ઈઝરાયલે પણ આતંકી સંગઠન હમાસના સહયોગી હિઝબુલ્લા સંગઠન સામે કાર્યવાહી કરી હતી. ઇઝરાયલે લેબનોનમાં બે હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં કુલ 10 લોકોના મોત થયા હતા.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું કે તેના હુમલામાં હિઝબુલ્લાહના કમાન્ડર અલી ડિબ્સ માર્યો ગયો છે. હુમલામાં ડિબ્સની સાથે ડેપ્યુટી હસન ઇબ્રાહિમ ઇસાનું પણ મોત થયું હતું. આ ઉપરાંત, દક્ષિણી શહેર નબાતિયેહમાં થયેલા હુમલામાં હિઝબુલ્લાહનો અન્ય એક આતંકવાદી માર્યો ગયો હતો. હિઝબુલ્લાએ પણ પુષ્ટી કરી છે કે હવાઈ હુમલામાં તેના ત્રણ કમાન્ડર માર્યા ગયા છે. ગયા અઠવાડિયે ડિબ્સ પર ડ્રોન હુમલો પણ થયો હતો, જેમાં તે બચી ગયો હતો.