/connect-gujarat/media/post_banners/de1f52a42c42b03653fc12198fea0d3bbc0fbb4dc4aef56c96bbef6533a5efa5.webp)
ભારતમાં ચંદ્રયાન-3 મિશનની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે હવે પૂરી થવા જઈ રહી છે. આ સ્પેસશીપ યાન ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-3 ક્યારે લોંચ કરવામાં આવશે તેને લઈને તારીખ અને સમયની જાહેરાત કરી દેતા દેશવાસીઓનો ઉત્સાહ વધ્યો છે.
આ અગાઉ ચંદ્રયાન-2 મિશન 22 જુલાઈ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 2 મહિના બાદ એટલે કે, 7 સપ્ટેમ્બર 2019ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલું વિક્રમ લેન્ડર ક્રેશ થઈ ગયું હતું. આ સાથે જ ચંદ્રયાનની 47 દિવસની સફળ યાત્રાનો અંત આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તે સમયે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બેંગલુરુમાં ઈસરોના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ત્યારથી જ ભારત ચંદ્રયાન-3 મિશનની તૈયારી કરી રહ્યું છે.
ઈસરોએ હવે ચંદ્રયાન-3 મિશનને લઈ જાહેરાત કરી છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે 13 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરાશે. ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સેન્ટરથી બપોરે 2.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. જો ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ સફળ થશે તો ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પોતાનું અવકાશયાન ઉતારી ચૂક્યા છે.