સંકલિત બાળ વિકાસ સેવા યોજના(ICDS) અંતર્ગત તા. ૨૯-૦૫-૨૩ના રોજ ખેડા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષતામાં કપડવંજ તાલુકાના નવા મુવાડા અને ડંગાની મુવાડી (સોરણા) ગામ ખાતે ગ્રામ વિકાસ વિભાગની મનરેગા યોજના અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિર્મિત કપડવંજ તાલુકામાં મંજુર થયેલ આંગણવાડી (નંદ ઘર) કેન્દ્રોના લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના(ICDS) દ્વારા પુરક પોષણ, રસીકરણ સંદર્ભ સેવાઓ આરોગ્ય તપાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ આરોગ્ય શિક્ષણ જેવી મહત્વની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આંગણવાડીના માધ્યમથી પાપા પગલી, પૂર્ણા યોજના (PURNA) વગેરે યોજનાઓ અમલમાં મૂકી ૦થી ૬ વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને લાભ આપવામાં આવે છે જે અંગે કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું કે, બાળકો દેશનું ભવિષ્ય છે જ્યારે બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું રહે ત્યારે સમાજનું, જિલ્લાનું અને દેશનું ભવિષ્ય સારું બની શકે. ૦થી ૬ વર્ષના સમયગાળામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. આ સમયગાળામાં તેને પૂરક પોષણ મળે અને બિમારીઓ સામે લડવા માટે શક્તિ અને રસીકરણ સમયસર થાય તે જરૂરી છે. તેમજ બાળકની આરોગ્ય તપાસ થાય અને તેને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે તે પણ ખૂબ જરૂરી છે, જેથી બાળક ૬ વર્ષ બાદ સારું શિક્ષણ ગ્રહણ કરી શકે. આ ઉપરાંત ૧૦ જુન ૨૦૨૩ બાદ રાજ્યમાં શાળા અને આંગણવાડી પ્રવેશોત્સવ યોજાશે જેમાં સગર્ભા બહેનો અને ધાત્રી માતોઓને સરકારની યોજનાઓનો લાભ લેવા માટે અને આંગણવાડી પ્રવેશોસ્તવમાં બાળકોના નામ નોંધણી કરાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામજનોને સૂચન કર્યું હતું.