રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 56 થયો છે. આ સાથે જ દેશમાં ગુજરાત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ચોથા ક્રમે પહોંચી ગયું છે.
કર્ણાટકમાં કોવિડ 19ના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે (25 ડિસેમ્બર) કોવિડ-19ના 125 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 436 થઈ ગઈ છે. દરમિયાન કોરોનાના કારણે ત્રણ લોકોના મોત થયા હતા.