Connect Gujarat
દેશ

PM નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે, 11 વાગ્યે પાંચ વંદે ભારત ટ્રેનોને બતાવશે લીલી ઝંડી

PM નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે, 11 વાગ્યે પાંચ વંદે ભારત ટ્રેનોને બતાવશે લીલી ઝંડી
X

ભારતીય રેલવે 27મી જૂન એટલે કે મંગળવારે દેશવાસીઓને એક સાથે પાંચ નવી વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ સવારે 11 વાગ્યે રાજધાની ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. દરમિયાન વડાપ્રધાન મોદી રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સિવાય બાકીની ચાર ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ભોપાલથી રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ, ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ, મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. મધ્યપ્રદેશને આ વખતે એક સાથે બે વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. ગોવા, બિહાર અને ઝારખંડને તેમની પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. આ સિવાય કર્ણાટકને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળશે.

મધ્ય પ્રદેશમાં રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ ભોપાલ અને જબલપુરને જોડશે. તે રાજ્યના અનેક પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. જેમાં ભેડાઘાટ, પંચમઢી અને સતપુડાનો સમાવેશ થાય છે. જ્યારે ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેન રાજ્યના માલવા અને બુંદેલખંડ વિસ્તારોને ભોપાલ સાથે જોડશે. આ દરમિયાન આ ટ્રેન મહાકાલેશ્વર, માંડુ, મહેશ્વર, ખજુરાહો જેવા પર્યટનના મહત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થશે.

Next Story