/connect-gujarat/media/media_files/2026/01/06/kalmadi-2026-01-06-10-03-13.jpg)
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન થઈ ગયું છે. કલમાડીના કાર્યાલય તરફથી એક ઓફિશિયલ નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. માહિતી પ્રમાણે, સુરેશ કલમાડી 81 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. લાંબી બીમારી પછી સુરેશ કલમાડી પૂણેના દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. લાંબી બીમારી બાદ મંગળવારે વહેલી સવારે 3.30 વાગ્યે પુણેમાં તેમનું નિધન થઈ ગયું.
સુરેશ કલમાડીના પાર્થિવ દેહને આજે બપોરે 2 વાગ્યા સુધી એરંડવણે સ્થિત કલમાડી હાઉસમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 3.30 વાગ્યે પુણેના નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. સુરેશ કલમાડીના પરિવારમાં તેમની પત્ની, એક પરિણીત પુત્ર-પુત્રવધૂ, બે પરિણીત દીકરીઓ, જમાઈ અને પૌત્ર-પૌત્રીઓ છે.સુરેશ કલમાડી મહારાષ્ટ્રના પુણેના પૂર્વ સાંસદ હતા. તેઓ કેન્દ્ર સરકારમાં રેલવે રાજ્યમંત્રી અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખનું પદ પણ સંભાળી ચૂક્યા હતા. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું, "પુણેના પૂર્વ સાંસદ, રેલ રાજ્યમંત્રી રહી ચૂકેલા અને ભારતીય ઓલિમ્પિક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ સુરેશ કલમાડી (81 વર્ષ)નું પૂણેમાં 6 જાન્યુઆરી મંગળવારના રોજ સવારે 3:30 વાગ્યે લાંબી માંદગી બાદ નિધન થઈ ગયું."