આજથી દેશના 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેનસિવ રિવિઝન (SIR) અભિયાન શરૂ, 51 કરોડ મતદારો થશે સામેલ

આજથી દેશના 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેનસિવ રિવિઝન (SIR) અભિયાન શરૂ થઈ રહ્યું છે, જેમાં 51 કરોડ મતદારો સામેલ થશે. આ અભિયાનનો હેતુ મતદાર યાદીને સુવ્યવસ્થિત કરવાનો છે

New Update
1730702720_election-commission

આજથી દેશના 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેનસિવ રિવિઝન (SIR) અભિયાન શરૂ થઈ રહ્યું છે, જેમાં 51 કરોડ મતદારો સામેલ થશે. આ અભિયાનનો હેતુ મતદાર યાદીને સુવ્યવસ્થિત કરવાનો છે જેથી કોઈ પણ લાયક નાગરિક મતદાનથી વંચિત ન રહી જાય. અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ચૂંટણી પંચ મંગળવારેથી નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઘરે-ઘરે જઈને મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેનસિવ રિવિઝન (SIR) શરૂ કરશે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 51 કરોડ મતદારો છે. આ કામ 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાની સાથે પૂર્ણ થશે. બિહાર પછી SIRનો આ બીજો તબક્કો છે. બિહાર માટે 7.42 કરોડ મતદારોની અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. 

જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની બીજા તબક્કાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, આંદામાન-નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, ગોવા, ગુજરાત, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને બંગાળ સામેલ છે. આમાંથી, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને બંગાળમાં 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. એમ તો આસામમાં પણ 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ આસામ માટે SIR પ્રક્રિયાની જાહેરાત અલગથી કરવામાં આવશે કારણ કે ત્યાં હાલમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નાગરિકતા ચકાસણી પ્રક્રિયા ચાલી રહી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે 27 ઓક્ટોબરે SIRના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, SIR 4 નવેમ્બરે ગણતરીના તબક્કા સાથે શરૂ થશે અને 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ચૂંટણી પંચ 9 ડિસેમ્બરે પ્રારંભિક મતદાર યાદી જાહેર કરશે અને 7 ફેબ્રુઆરીએ અંતિમ યાદી પ્રકાશિત કરવામાં આવશે.

Latest Stories