વેસ્ટઈન્ડિઝે ભારત સામેની પહેલી ટેસ્ટ મેચ માટે પોતાની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં બે અનકેપ્ડ પ્લેયર્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. તો 'સૌથીવજનદાર ખેલાડી'નું ટેગ ધરાવનાર સ્પિનર રહકીમ કોર્નવોલે પણ ટીમમાં પુનરાગમન કર્યું છે. કેરેબિયન ટીમની આગેવાની ક્રેગ બ્રેથવેટ કરશે. વેસ્ટઈન્ડિઝે રોહિત એન્ડ કંપનીની સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ માટે ઘણા ચોંકાવનારા નામની ઘોષણા કરી છે.
ડોમિનિકામાં ટેસ્ટની સાથે જ ભારત અને વેસ્ટઈન્ડિઝ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના અભિયાનની શરૂઆત કરશે.ટીમના ડાબોડી બેટર કિર્ક મેકેંઝીને બાંગ્લાદેશ-A સામે રમાયેલી સિરીઝમાં વેસ્ટઈન્ડિઝ-A માટે શાનદાર પ્રદર્શન કરવાથી ટીમમાં જગ્યા મળી છે. તો તેના સાથી એલિક અથાનાઝને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ બન્ને જ ટેસ્ટ ડેબ્યૂ કરવા માટે આતુર છે. વેસ્ટઈન્ડિઝના ચીફ સિલેક્ટર ડેસમંડ હેન્સનું માનવું છે કે આ બન્ને જ ખેલાડીઓ વેસ્ટઈન્ડિઝ માટે લાંબી રેસના ઘોડા છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના વેસ્ટઈન્ડિઝ-A માટેના પ્રદર્શનથી ઘણા પ્રભાવિત થયા છે.