/connect-gujarat/media/media_files/2025/04/11/0Rd7s5dMc7z1AsJCP3nw.jpg)
દેશમાં હવામાનનો બેવડો માર યથાવત છે. એક તરફ આકરી ગરમી લોકોના હાલ બેહાલ કરી રહી છે, તો બીજી તરફ વાવાઝોડા અને વરસાદે અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં ૧૦ એપ્રિલના રોજ આવેલા ભયાનક તોફાન અને વીજળી પડવાની ઘટનાઓમાં ૮૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં બિહારમાં સૌથી વધુ ૬૧ અને ઉત્તર પ્રદેશમાં ૨૨ લોકોના મોત થયા છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, આસામ અને મેઘાલયમાં ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે અને ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના પણ બની હતી.
તો બીજી તરફ દેશમાં આકરી ગરમીનું મોજું પણ યથાવત છે. ગુરુવારે મોટાભાગના રાજ્યોમાં દિવસનું તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. રાજસ્થાનના બાડમેરમાં સૌથી વધુ ૪૪.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે પણ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. રાજસ્થાન અને ગુજરાતમાં તો તાપમાન ૪૦-૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે દિલ્હીમાં પણ પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.