લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે 9 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની 96 બેઠક પર મતદાન સમાપ્ત થયું. 62.56% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 75.72% અને જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 35.97% મતદાન થયું. આ ઉપરાંત આંધ્રપ્રદેશની 175 વિધાનસભા સીટો અને ઓડિશાની 28 વિધાનસભા સીટો પર પણ મતદાન થયું હતું.ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળ, બિહાર અને મહારાષ્ટ્રમાં અલગ-અલગ કારણોસર ત્રણ લોકોનાં મોત થયા છે. પશ્ચિમ બંગાળના બોલપુરમાં મતદાનના એક દિવસ પહેલાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. TMCએ સીપીઆઈ(એમ) સમર્થકો પર બોમ્બવિસ્ફોટનો આરોપ લગાવ્યો છે. દુર્ગાપુરમાં ભાજપ અને TMC સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે.
બિહારના મુંગેરમાં મતદાન પહેલાં એક પોલિંગ એજન્ટનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. મુંગેરમાં જ કેટલાક લોકોએ વોટિંગ દરમિયાન સ્લિપ ન આપવા પર સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી બે યુવકને કસ્ટડીમાં લીધા હતા. મહારાષ્ટ્રના બીડમાં એક ન્યૂઝ ચેનલના પત્રકારનું હાર્ટ-એટેકથી મોત થયું છે.