/connect-gujarat/media/media_files/2025/11/05/css-2025-11-05-20-46-17.jpg)
અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ દૂર થતાં રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આ સિસ્ટમની અસર ઘટતા હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે રાજ્યમાં હજુ 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMDએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આજે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ
5 નવેમ્બરના રોજ ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના સૌરાષ્ટ્ર પર અપર એર સર્ક્યુલેશન સર્જાયેલું હતુ જે બાદ હવે લેસ માર્કમાં પરિવર્તિત થયું છે. આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે.