આગામી વનડે વર્લ્ડકપ 2023ને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. વનડે વર્લ્ડકપ 2023 આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, આયોજન આ વખતે ભારત કરશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હવે આનું નવું શિડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15મીને બદલે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સહિત 9 મેચોના શિડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
આઈસીસીએ પાકિસ્તાન ટીમની એક નહીં પરંતુ ત્રણ મેચોના શિડ્યૂલમાં ફેરફાર કર્યો છે. પાકિસ્તાનની ટીમ 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત સામે તેની મેચ રમવાની હતી, પરંતુ સમાચાર આવ્યા છે કે આ મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે આ જ મેદાન પર યોજાશે.
15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ હશે. આ કારણોસર આ મેચ ફરીથી શિડ્યૂલ કરવામાં આવી છે, પરંતુ આ સાથે 12 ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાન ટીમની અન્ય મેચમાં ફેરફાર કરવામાં આવશે. આ મેચ શ્રીલંકા સામે થવાની છે, જે હવે હૈદરાબાદમાં 12ને બદલે 10 ઓક્ટોબરે રમાશે.
આ ઉપરાંત 12 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ એક દિવસ પહેલા એટલે કે 11 નવેમ્બરે આ જ મેદાન પર રમાશે. કાલી પૂજાને કારણે આ મેચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ 9 મેચોના શિડ્યૂલમાં થયો ફેરફાર -
- ઇંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ: 10 ઓક્ટોબર - સવારે 10.30 વાગ્યાથી
- પાકિસ્તાન Vs શ્રીલંકા: 10 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા: 12 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ: 13 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ભારત Vs પાકિસ્તાન: 14 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ઈંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાન: 15 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ: 11 નવેમ્બર - સવારે 10.30 વાગ્યાથી
- ઈંગ્લેન્ડ Vs પાકિસ્તાન: 11 નવેમ્બર - બપોરે 2.00 વાગ્યાથી
- ભારત Vs નેધરલેન્ડ: 12 નવેમ્બર - બપોરે 2.00 વાગ્યાથી