/connect-gujarat/media/media_files/2025/11/17/untitled-2025-11-17-09-32-09.jpg)
2025 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ના જંગી વિજય બાદ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા ઝડપી બની છે. જનતા દળ (યુનાઇટેડ) ના વડા નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ 20 નવેમ્બરે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે.
243 સભ્યોની વિધાનસભામાં 202 બેઠકો જીતીને NDA એ ઐતિહાસિક બહુમતી મેળવી, જેમાં BJP ને 89, JDU ને 85 LJAP (રામવિલાસ) ને 19 અને અન્ય સાથી પક્ષોને 9 બેઠકો મળી.JDUના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે સવારે 11:30 વાગ્યે અંતિમ કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન વિધાનસભા ભંગ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે. બેઠક બાદ, મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું સુપરત કરવા રાજભવન જશે. આ ઔપચારિકતા નવી સરકાર બનાવવા તરફનું પ્રથમ પગલું હશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે, તેથી તમામ ઔપચારિકતાઓ સમય પહેલા પૂરી કરવામાં આવી રહી છે.
નીતિશના રાજીનામા પછી JDU વિધાનસભા પક્ષની બેઠક યોજાશે. જ્યાં નીતિશ કુમારને પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે તેવી અપેક્ષા છે. આ પછી ભાજપ વિધાનસભા પક્ષની બેઠક થશે અને અંતે, NDA વિધાનસભા પક્ષની સંયુક્ત બેઠક થશે, જ્યાં નીતિશ કુમારને ગઠબંધન નેતા જાહેર કરવામાં આવશે. આ પછી, NDA પ્રતિનિધિમંડળ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલ પાસે જશે. જો કે, નીતિશ કુમાર 20 નવેમ્બરે શપથ લેશે કે NDA સરકારના ભાગ રૂપે અન્ય કોઈ નેતા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.