લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ગઇકાલે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જોકે હવે જે લોકોની ટિકિટ કપાઈ છે તેમાંથી કેટલાક નેતાઓએ હવે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવતા પાર્ટીમાં રાજકારણથી દૂર રહેવાની પ્રક્રિયા ચાલુ છે. સૌથી પહેલા ગૌતમ ગંભીર અને જયંત સિન્હાએ લિસ્ટ જાહેર થયા પહેલા જ સક્રિય રાજનીતિથી દૂર રહેવાની વિનંતી કરી હતી. આ બધાની વચ્ચે હવે યાદી જાહેર થયા બાદ ડૉ. હર્ષવર્ધને પણ સક્રિય રાજનીતિથી દૂરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, શનિવારે ભાજપ દ્વારા જાહેર કરાયેલી ટિકિટોમાંથી ડૉ.હર્ષવર્ધનની ટિકિટ પણ કાપવામાં આવી હતી.
પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને X પર એક લાંબી પોસ્ટ લખીને રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. મહત્વનું છે કે, હર્ષવર્ધનની જગ્યાએ પ્રવીણ ખંડેલવાલને ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, હર્ષવર્ધન હાલમાં ચાંદની ચોક લોકસભા સીટથી સાંસદ છે પરંતુ ભાજપે તેમને 2024ની સામાન્ય ચૂંટણી માટે ટિકિટ આપી નથી. આ વખતે પાર્ટીએ ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે, હર્ષ વર્ધન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે.