Connect Gujarat
દેશ

મોદી કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને આપવામાં આવી મંજૂરી

મોદી કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને આપવામાં આવી મંજૂરી
X

સંસદના વિશેષ સત્રની વચ્ચે સોમવારે (18 સપ્ટેમ્બર)ના રોજ સંસદ ભવન એનેક્સીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. સૂત્રોનો દાવો છે કે મોદી કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે એવી માહિતી પણ સામે આવી છે કે મહિલા અનામત બિલ 20 સપ્ટેમ્બર એટલે કે આવતા બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે મહિલાઓ માટે 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે.

વર્તમાન લોકસભામાં 78 મહિલા સભ્યો ચૂંટાયા હતા, જે કુલ 543 ની સંખ્યાના 15 ટકા કરતા પણ ઓછા છે. આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડુચેરી સહિતની ઘણી રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિત્વ 10 ટકાથી નીચે છે.

બીજેપી બુધવારે (20 સપ્ટેમ્બર) અથવા તેના એક દિવસ પછી દિલ્હી અથવા દિલ્હીને અડીને આવેલા રાજસ્થાનના કોઈપણ શહેરમાં મહિલાઓની મોટી સભાનું આયોજન કરી શકે છે. પીએમ મોદી પોતે સભાને સંબોધિત કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ સમગ્ર કાર્યક્રમને હાલ પૂરતો ગુપ્ત રાખવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં કોંગ્રેસ, બીજુ જનતા દળ (BJD) અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સહિત અનેક પક્ષોએ મહિલા અનામત બિલ રજૂ કરવાની માંગ કરી છે.

Next Story