આકાશમાં ભારતીય વાયુસેનાનો જાદુ

બોરતળાવ ખાતે ભવ્ય સૂર્યકિરણ એર શો સંપન્ન

હેન્ક જેટ વિમાનોના આકાશી કરતબથી સૌ કોઈ મંત્રમુગ્ધ 

વિમાનોના ઘરઘરાટ અને તિરંગા સ્મોકથી ગુંજ્યું વાતાવરણ

ઐતિહાસિક એર શો નિહાળવા જનમેદની ઉમટી

ભાવનગર શહેરના પ્રખ્યાત બોરતળાવ ખાતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્ય કિરણ એરોબેટિક ટીમ’ દ્વારા એક ભવ્ય અને રોમાંચક ‘સૂર્યકિરણ એર શો’ યોજાયો હતો.

ભાવનગર શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત આકાશમાં ભારતીય વાયુસેનાના શૌર્ય અને સાહસની અદભુત ઝાંખી જોવા મળી છે. શહેરના પ્રખ્યાત બોરતળાવ ખાતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા એક ભવ્ય અને રોમાંચક ‘સૂર્યકિરણ એર શો’ યોજાયો હતો.

આ આકાશી યુદ્ધકળાના પ્રદર્શનમાં વાયુસેનાના કુશળ પાઈલટોએ ‘હેન્ક જેટ’ વિમાનો દ્વારા આકાશમાં એક પછી એક અદભુત કરતબો રજૂ કર્યા હતા. વિમાનો દ્વારા છોડવામાં આવેલા તિરંગા સ્મોક દ્વારા આકાશમાં ત્રિરંગો રંગ રેલાવતા દ્રશ્યોએ ઉપસ્થિત સૌ કોઈ દેશવાસીઓમાં દેશભક્તિની અનોખી ઊર્જા ભરી દીધી હતી. હાઇ-સ્પીડ ફ્લાઇંગ અને રોમાંચક સ્ટંટ્સ જોઈને જનમેદની મંત્રમુગ્ધ બની ગઈ હતી.

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બોરતળાવની આસપાસના કિનારે તેમજ લોકોએ પોતાના ઘરની છત પરથી પણ આ અદભુત નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને નાના બાળકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.