સુરત શહેરની ભેસ્તાન પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 4 ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત શહેરના ભેસ્તાન રાજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીમાં સક્રિય મૂળ રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના 4 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આરોપીઓ લોકોને રૂ. 15થી 16 હજારની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ અને સીમકાર્ડ મેળવી લેતા હતા.  વધુમાં ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર જૂના સિક્કા વેચવાની અને અન્ય લોભામણી જાહેરાતો મુકી છેલ્લા દોઢ વર્ષથી લોકો સાથે ઓનલાઈન ઠગાઈ આચરતા હતા.

એટલું જ નહીં, ભાડાના એકાઉન્ટમાં ફ્રોડના નાણાં જમા કરાવી, અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરી ATM મારફતે રોકડ ઉપાડી લેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4.47. લાખ રોકડા, 15 મોબાઇલ ફોન, 22 ડેબિટ કાર્ડ, પાસબુક અને ચેકબુક સહિત કુલ રૂ. 5,72,500/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

આ ટોળકી વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, યુપી અને તેલંગાણા સહિત દેશના અનેક રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે, ત્યારે હાલ તો ભેસ્તાન પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.