-
અંકલેશ્વરના ઉદ્યોગોને ફટકો
-
પેટ્રોલ ડીઝલની અછતની અસર
-
જનરેટર ચલાવવા નથી મળી રહ્યું ડીઝલ
-
કારબામાં નથી આપતું ડીઝલ
-
ઉત્પાદન પ્રક્રિયા ખોરંભે
અંકલેશ્વરના ઉદ્યોગોને પેટ્રોલ-ડીઝલની અછતથી મોટો ઝાટકો,કારબામાં ડીઝલ પર પ્રતિબંધથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાય
૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતને કારણે ઉદ્યોગોના ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે. ભરૂચ | સમાચાર | બિઝનેસ
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ ડીઝલની અછત સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી છે. ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતને કારણે ઉદ્યોગોના ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે.
દેશની અગત્યની ઔદ્યોગિક પટ્ટીઓમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ-ડીઝલની અછત હવે ગંભીર ઔદ્યોગિક સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. અંદાજે ૧૨૦૦થી વધુ ઉદ્યોગ એકમો, જેમાં મોટાભાગે કેમિકલ ઉદ્યોગો સામેલ છે ત્યાં ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતને કારણે ઉદ્યોગોના ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે.
ઉદ્યોગોમાં સતત ઉત્પાદન જાળવવા માટે બેકઅપ પાવર તરીકે ડી.જી. સેટ ફરજિયાત ચાલતા હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો અનિયમિત રહેતા ડીઝલ વિના ઉત્પાદન પ્રક્રિયા જાળવવી અશક્ય બની જાય છે પરંતુ હાલ પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને કારબામાં પેટ્રોલ કે ડીઝલ આપવાની મનાઈ ફરમાવાતા ઉદ્યોગ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.સ્થાનિક ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી શકાતી નથી, છતાં જરૂરી ડીઝલનો જથ્થો મેળવવા માટે તેમને દરરોજ દોડધામ કરવી પડી રહી છે. અનેક પેટ્રોલ પંપો પર હાલ ચાર પૈડાં વાહનોને પણ મહત્તમ બે હજાર રૂપિયાનું મર્યાદિત ઇંધણ આપવામાં આવતુ હોવાનુ જાણવા મળ્યુ છે.ખેડૂતો બાદ હવે ઉદ્યોગ સંચાલકો પણ ખુલ્લેઆમ માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપોને ઉદ્યોગોને કારબામાં ડીઝલ આપવાની છૂટ આપવામાં આવે. કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન ઉપર કાપ મુકાયો હોવાનુ પણ ઉદ્યોગકારોએ જણાવ્યુ છે. જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો રોજગાર અને સપ્લાય ચેઇન ઉપર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
