જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ઓપન બજારમાં મગફળીના મણના સાડા સાતસો રૂપિયાથી લઈને ૧,૪૮૫ રૂપિયા સુધીનો ખૂબ જ ઊંચો ભાવ બોલાતો હોવાથી જામનગર તાલુકાના ખેડૂતો ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ અનેક ખેડૂતો મગફળીનો જથ્થો લઈને વેચાણ માટે આવી રહ્યા છે. તામિલનાડુના કેટલાક વેપારીઓ ઉચ્ચ કોટિના બિયારણ ખરીદી માટે હાપા માર્કેટિંગયાર્ડ માં આવ્યા હોવાથી હરાજીની પ્રક્રિયામા ખૂબ જ તેજી આવી છે. જેને લઇને અને ખેડૂતો આકર્ષાયા છે, અને બે દિવસ દરમિયાન આપા માર્કેટિંગ યાર્ડની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં વાહનોની કતારો લાગી ગઇ હતી.
હાપા માર્કેટિંગ યાર્ડમાં રવિવારે રાત્રીના ૧૨ વાગ્યાથી સોમવારે સવારે પાંચ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની મગફળી લાવવા માટેની જાણકારી અપાઈ હતી, પરંતુ જામનગર તાલુકા ઉપરાંત રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને કચ્છ સહિતના અનેક ખેડૂતો શનિવારે રાત્રે થી જ પોતાની મગફળી નો જથ્થો લઇ હાપા માર્કેટિંગ યાર્ડમા વેચાણ માટે આવી પહોંચ્યા હતા, અને વાહનોના થપ્પા લાગી ગયા હતા. હાપા માર્કેટિંગ યાર્ડ થી છેક ધુવાવ સુધી તે જ રીતે ખંભાળિયા બાયપાસ ચોકડી, ખીજડીયા બાયપાસ ચોકડી સહિતના આસપાસના ૧૦ કિલોમીટરના એરિયાની ત્રિજ્યામાં મગફળી ના વાહનોની કતાર લાગી ગઈ હતી. અને કોઈપણ પ્રકારની ધમાચકડી વિના તમામ ૮૦૦ વાહનોને માર્કેટિંગ યાર્ડની ટીમ દ્વારા સતત ૪૮ કલાક સુધી ટોકન વિતરણની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. અને એક પણ વાહન ચાલક વચ્ચે ઘર્ષણ થયું ન હતું. જે પણ એક જામનગર માટે સારા સમાચાર છે.
આ ઉપરાંત તામિલનાડુના કેટલાક વેપારીઓ ઓપન બજારમાં મગફળીની ખરીદી કરવા માટે જામનગર આવી પહોંચ્યા છે, અને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તેઓ ઉચ્ચ કોટિનું મગફળીનું બિયારણ પ્રાપ્ત થતું હોવાથી હરાજીમાં રસ દાખવી રહ્યા છે. અને સતત એક સપ્તાહ સુધી ૧,૪૦૦ રૂપિયાથી વધુનો મણનો ભાવ બોલાવાયો છે.
તમિલનાડુના વેપારીઓ હજુ પણ રોકાયા હોવાથી અને મગફળીની ખરીદીમા રસ દાખવતા હોવાથી જામનગરની બજારમાં તેજી જોવા મળી રહી છે. તામિલનાડુના વેપારીઓના જણાવ્યા અનુસાર જામનગર તેમજ આસપાસના વિસ્તારમાં ઉત્પાદિત થતી મગફળીનુ બિયારણ ઉચ્ચ કોટિનું છે અને તે બિયારણને તમિલનાડુ તરફ લઈ જવામાં આવે તો તેનો બિયારણ તરીકે સારી માત્રામાં ઉપયોગ થઇ શકે તેમ છે. જેને લઇને સમગ્ર ગુજરાતભરમાં મગફળીના મણના ઉંચા ભાવ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.