/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/26142534/kQz7UwQP.jpg)
ભારત વર્ષમાં વેદોને લઈને પૂજા કરવાની પધ્ધતીઓમાં તમામ જગ્યાએ યજ્ઞ અને હવનનું મહત્વ બતાવવામાં આવ્યું છે. યજ્ઞ એક મહત્વપૂર્ણ વિજ્ઞાન છે, જેમાં ઔષધીય વૃક્ષોના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિશેષ પ્રકારનો ગુણો હોય છે. જે વાતાવરણને રોગ મુક્ત અને શુધ્ધ બનાવે છે, ત્યારે જામનગર શહેરમાં ગાયત્રી શક્તિ પીઠ દ્વારા ઘરે ઘરે હવનનું આયોજન કરી જામનગર શહેર તથા જિલ્લો કોરોનામુક્ત બને તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગાયત્રી શક્તિ પીઠના દીપાબેન મોડીયાએ જણાવ્યુ હતું કે, ભારત વર્ષમાં પ્રાચીન કાળથી હવન અને યજ્ઞનું ઘણું મહત્વ રહ્યું છે. હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓ અને સંતો-મહંતો દ્વારા યજ્ઞ અને હવન કરી સકારાત્મક ઉર્જા અને રોગમુક્ત વાતાવરણ તેમજ અનેક પ્રકારની બીમારીઓ ફેલાવતા બેકટેરિયાનો નાશ કરવામાં આવ્યો છે. તે પ્રમાણે જામનગર શહેરમાં પણ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોના રોગનો નાશ કરવા માટે જામનગરના ગાયત્રી શક્તિ પીઠ દ્વારા શહેર અને જિલ્લામાં ઘરે ઘરે કોરોના નાશ થાય તે માટે ઔષધીય યુક્ત લાકડા સહિતની સામગ્રીનો ઉપયોગ કરી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત ગાયત્રી શક્તિ પીઠ દ્વારા શહેર અને જિલ્લામાં 24000 જેટલી હવનની કીટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર શહેર તથા જિલ્લો કોરોનામુક્ત થાય તે આશા સાથે જામનગરમાં ઘરે ઘરે હવન કરવામાં આવ્યા હતા. જે વ્યક્તિ આ યજ્ઞમાં બેસે છે તેના અને તેની આસપાસના વાયુ મંડળમાં તેનો મોટો પ્રભાવ પડે છે.