ગુજરાત સહિત જામનગરમાં કોરોનાનો કહેર વધી રહયો છે ત્યારે તહેવારોની ઉજવણી સિમિત બની છે. જામનગરમાં વસતાં જૈન બંધુઓએ તેમના પરંપરાગત પર્વ મહાવીર જયંતિની સાદગીથી ઉજવણી કરી હતી.

છોટીકાશીના નામથી જાણીતાજામનગર શહેરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે ત્યારે આજે જૈન સમાજ દ્વારા કોરોનાના કહેર વચ્ચે દેરાસરમાં મહાવીર જયંતિ ની સાદગી થી ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં વિરલબાગ પાસે આવેલાં મહાવીર સ્વામી જિનાલય ખાતે શ્રી જૈન દર્શન ઉપાસક સંઘ અને જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતીની ઉજવણીનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. દર વર્ષે મહાવીર જન્મ જયંતી નિમિતે દહેરાસર  ખાતે હજારોની સંખ્યામાં ભક્તો મહાવીર સ્વામીના દર્શને આવે છે અને દેરાસર ખાતે ભજન કીર્તન જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે પણ હાલ જામનગરમાં કોરોના કેસ વધુ પ્રમાણમાં હોવાથી સરકાર ની ગાઈડલાઇન અનુસાર માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને ટેમ્પરેચર માપી ત્યારબાદ જ દર્શનાર્થીઓને દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે કોવીડની ગાઇડલાઇનના સંદર્ભમાં મોટાભાગના કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યાં હતાં. દહેરાસરોને માત્ર ભગવાનના દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતાં.