દ્રશ્યમ ફિલ્મ જેવી ચોંકાવનારી હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો
2 વર્ષ પહેલા પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી
કોઈને જાણ ન થાય તે માટે મૃતદેહને ખાડામાં દાટી દીધો
પતિ વિદેશમાં હોવાનું કહી પત્નીએ લોકોને ગેરમાર્ગે દોરયા
પોલીસે કારખાનામાં ખોદકામ હાથ ધરી વધુ તપાસ આદરી
જામનગરમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ચોંકાવનારી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. 2 વર્ષ પહેલા પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે, કોઈને જાણ ન થાય તે માટે મૃતદેહને દરેડ GIDCમાં દાટી દીધો હોવાનો ખુલાસો થયો છે.
જામનગર જિલ્લાના દરેડ ગામમાંથી એક ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી સામે આવી છે. 2 વર્ષ પહેલા દ્રશ્યમ ફિલ્મ જેવી ચોંકાવનારી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિ જીજ્ઞેશ માવદિયાની ઘાતકી હત્યા કરી નાખી હતી, અને કોઈ જાણ ન થાય તે માટે મૃતદેહને દરેડ GIDCમાં આવેલ એક કારખાનામાં 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધો હતો. પતિ જીજ્ઞેશ તેમના સંબંધો વચ્ચે આડો આવતો હોવાથી બંનેએ તેને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું.
પૃથ્વી અને તેના પ્રેમી નિલેશે મળીને જીજ્ઞેશના દારૂમાં અત્યંત ઝેરી સાઇનાઇડ ભેળવી દીધું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ જઘન્ય હત્યા બાદ આરોપી પત્ની એટલી ચાલાક નીકળી કે, તેણે છેલ્લા 2 વર્ષથી મૃતકના પરિવારને એવું કહીને ગેરમાર્ગે દોર્યું હતું કે, જીજ્ઞેશ ઓસ્ટ્રેલિયા નોકરી કરવા ગયો છે, અને ત્યાં ફોન પર વાત કરવાની મનાઈ છે.
જોકે, આ ભયાનક કાવતરાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ભત્રીજાએ ઓસ્ટ્રેલિયા જવા માટે કાકાનો નંબર માંગ્યો, અને પત્ની સંતોષકારક જવાબ ન આપી શકતા શંકા દ્રઢ બની હતી. આખરે મૃતક જીજ્ઞેશના ભાઈ અશોક માવદિયાએ સિટી ‘બી’ પોલીસ સ્ટેશનમાં અરજી આપી ભાઈની હત્યા થઈ હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી પત્ની પૃથ્વીની કડક પૂછપરછ કરતા કાવતરાખોર વાર્તા સામે આવી હતી.
પોલીસે પત્ની પૃથ્વી અને તેના પ્રેમી નિલેશ બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આરોપીઓને સાથે રાખી દરેડ GIDCમાં તેમની નિશાનદેહી મુજબ ખોદકામ કરી મૃતદેહના અવશેષો બહાર કાઢવાની અને ફોરેન્સિક તપાસ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
