જુનાગઢ જીલ્લામાં ગિરનાર રોપ-વેની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે રોપ-વેના દરમાં ઘટાડો કરવા માટે જુનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.
જુનાગઢવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન હતું કે, ગિરનાર ખાતે રોપ-વે યોજના સાકાર થાય. જેથી રોપ-વે બને તો પરિવારને તેમજ બહાર રહેતા સગાં-સબંધીઓને રોપ-વે મારફતે યાત્રા કરાવી પુણ્ય કમાઇ શકે. જોકે રોપ-વેની ટિકિટના ભાવ સાંભળ્યા બાદ તમામ જૂનાગઢવાસીને લાગી રહ્યું છે કે, તેમનું સ્વપ્ન રોળાઇ ગયું છે. જેમ ગિરનાર પર્વત આસમાનને આંબી રહ્યો છે, તેમ રોપ-વેની ટિકિટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પરિણામે, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જુનાગઢ ખાતે નવનિર્મિત ગિરનાર રોપ-વેના દર ખૂબ જ ઊંચા હોવાથી રોપ-વેની સવારી આમ જનતાને પરવડે તેમ નથી. જોકે પાવાગઢ રોપ-વેની ટિકિટ 150 રૂપિયાની આસપાસ છે, જ્યારે ગિરનાર રોપ-વેની ટિકિટનો દર 6 ગણો વધારે છે. પરંતુ ગિરનાર રોપ-વે અને પાવાગઢ રોપ-વેની સરખામણી કરીએ તો, ગિરનાર રોપ-વેની લંબાઇ વધારે છે, જે પાવાગઢ રોપ-વેના ટિકિટના ભાવ છે. એ હિસાબે ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવ 447 રૂપિયા હોવા જોઇએ. જે હાલ 706 રૂપિયા લેવામાં આવી રહ્યો છે. જેથી ટિકિટના ભાવ મામલે લોકોમાં ભારે ગણગણાટ થઇ રહ્યો છે. પાવાગઢ રોપ-વેની ટિકિટ 150 રૂપિયાની આસપાસ છે, જ્યારે ગિરનાર રોપ-વેની ટિકિટનો દર 6 ગણો વધારે છે, ત્યારે ઉષા બ્રેકો કંપની દ્વારા વ્યવહારિક અને વાજબી ભાવ રાખવો જોઇએ. ઉપરાંત જુનાગઢના સ્થાનિકોને 1 વર્ષ માટે ટિકિટના ભાવમાં રાહત આપવા સહિતની માંગ સાથે જુનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રોપ-વેના દરમાં ઘટાડો કરવા પત્ર લખ્યો હતો.