પવિત્ર શ્રાવણ માસનો થઈ રહ્યો છે પ્રારંભ

ઇલાવ ગામના કાવડયાત્રીઓ રવાના થયા

કેદારનાથ જયોતિર્લિંગની યાત્રાએ રવાના

હર હર મહાદેવના નાદ સાથે કાવડયાત્રાનો પ્રારંભ

1500 કી.મી.નું અંતર પગપાળા કાપશે

ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામના કાવડયાત્રીઓ કેદારનાથ જયોતિર્લિંગની 1500કી.મી.ની કાવડયાત્રાએ જવા રવાના થયા છે.

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ભોળાશંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કેદારનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા.

આજરોજ ગામના રામજી મંદિર,ભીડભંજન મહાદેવ મંદિર,વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમ્યાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના મહિલા સરપંચ નિશા રાઠોડ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1500 કી.મી.નું અંતર પગપાળા કાપી 28 દિવસે જ્યોતિર્લિંગની કાવડયાત્રા પૂર્ણ કરશે અને  દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડયાત્રીઓ દ્વારા રોજનું 60 કી.મી.નું અંતર પગપાળા કાપવામાં આવશે.