ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુધારા વિધેયક રજૂ ગૃહમાં પસાર થઈ ગયું છે. આ સાથે જ હવે મોલ,રેસ્ટોરન્ટ-હોટલ, કાફે, દુકાનો જેવા એકમો 24 કલાક ચાલુ રાખી શકાશે.પોલીસ કે અન્ય સ્થાનિક ઓથોરિટી આવીને તેને કોઈ રીતે બંધ કરાવી શકશે નહીં. અલબત્ત આ એકમોએ પોતાની આસપાસ સ્વચ્છતા, ટ્રાફિક અને સલામતી સંદર્ભે ચોકસાઇ રાખવાની રહેશે.

મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાય છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે.