ઘરે જ ટ્રાય કરો ખસ્તા પૂરી, મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવી બનશે સોફ્ટ

ઘરે જ ટ્રાય કરો ખસ્તા પૂરી, મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવી બનશે સોફ્ટ
New Update

દિવાળીનો સમય આવે એટલે ગૃહિણીઓ માટે ખાસ કરીને વિવિધ મીઠાઈ, ફરસાણ અને પકવાન બનાવવાનો સમય. ઘરે આવતાં મહેમાનોને ઘરમાં જ બનાવેલી મીઠાઈ અને ફરસાણથી કારવાનો આનંદજ કંઈક ઓર હોય છે. ત્યારે પૂરી, શક્કરપારા, ગાંઠિયા આવી બધી વાનગીઓ ઘરમાં ન બને તેવું ભાગ્યે જ કોઇ ઘર હશે. આજે કનેક્ટ ગુજરાત પોતાનાં વાચકો માટે લાવ્યું છે ખસ્તા પૂરીની રેસિપિ. આ રેસિપિ જેટલી સરળ છે તેટલી જ સરળ પૂરી પણ બનશે. જે મોંમાં મૂકતાં જ ઓગળી જાય એવી સોફ્ટ હેશે.

ખસ્તા પૂરી બનાવવા માટેની સામગ્રી

બે કપ મેંદો

અડધો કપ સોજી

અડધો કપ ઘી

એક ચમચી મીઠું

અડધી ચમચી અજમો

પા ચમચી કાળામરી પાવડર

બનાવવાની સરળ રીત

સૌપ્રથમ એક મોટા બાઉલમાં મેંદો, સોજી, ઘી, કાળામરીનો પાવડર, અજમો અને મીઠું નાખો અને તેને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ થોડું-થોડું પાણી નાંખી પૂરીના લોટ જેવો લોટ બાંધી સો. લોટ બરાબર મસળી-મસળીને બાંધવો. ત્યારબાદ લોટને ઢાંકીને 20 મિનિટ સુધી સેટ થવા મૂકી દેવો.

હવે 20 મિનિટ બાદ લોટને ફરી થોડો મસળી લેવો. ત્યારબાદ તેના લીંબુના આકારના લુવા બનાવી લેવા. લુવાને ઢાંકીને એકબાજુએ મૂકી દો. પછી એક બાઉલમાં ત્રણ ટેબલસ્પૂન મેંદો અને ત્રણ ટેબલસ્પૂન ઘી મિક કરી દો. જરૂર લાગે તો બીજું થોડું ઘી એડ કરી શકાય છે. બરાબર મિક્સ કરી જાડા ખીરા જેવી પેસ્ટ તૈયાર કરવી.

હવે ઓરસિયા અને વેલણ પર થોડું-થોડું ઘી લઈ એક લુવાને થોડીવાર મસળીને વણી લો. રોટલીના આકારમાં વધારે જાડો પણ નહીં કે પાતળો પણ નહીં તેમ મિડિયમ વણવું. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી આજ રીતે બીજી 2 રોટલી વણી લો. હવે એક ચોપિંગ બોર્ડ પર એક રોટલી મૂકો. તેના ઉપર મેંદાની પેસ્ટ બધી જ બાજુ લગાવી લો. ત્યારબાદ તેના ઉપર બીજી રોટલી મૂકો અને તેના પર પણ પેસ્ટ લગાવી ત્રીજી રોટલી પણ ઉપર મૂકી દો. ત્રીજી રોટલી ઉપર પણ પેસ્ટને બરાબર લગાવી લેવી અને ગોળાકારમાં ટાઇટ ફોલ્ડ બનાવવો. બરાબર ફોલ્ડ કરીને દબાવો, જેથી ફોલ્ડ ખુલી ન જાય. ત્યારબાદ ચપ્પાથી બંને બાજુની કિનારી કાપ્યા બાદ અડધા-અડધા ઈંચના રોલ કાપો. ત્યારબાદ બધા જ પીસને અલગ કરી થોડા-થોડા હાથથી દબાવી હળવા હાથે ગોળ વણી લેવા અને નાની-નાની પૂરી તૈયાર કરવી.

પુરી વણી લીધા પછી કઢાઈમાં તળવા માટે તેલ મિડિયમ ગરમ કરી લેવું. તેલ ગરમ થઈ જાય એટલે પૂરીઓ તળી લેવી. મિડિયમ ગરમ તેલમાં મિડિયમ આંચે બંને બાજુ પુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી. પૂરીઓ વચ્ચે-વચ્ચે પલટવી જેથી બંને બાજુ બરાબર તળાઇ શકે. પૂરીઓ સ્લો-મિડિયમ આંચે જ તળવી. તળાઇ જાય એટલે એક પ્લેટમાં કિચન નેપ્કિન પાથરી લઈ લો, જેથી વધારાનું તેલ શોષાઇ જાય. પૂરીઓ ઠંડી થઈ જાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરીને એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે.

#Diwali Food and Receipe
Here are a few more articles:
Read the Next Article