ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓને સરકારના નિયમો અને કાયદા પ્રમાણે કામ કરી પ્રજાના પ્રશ્નોને હલ કરવાની દિશામાં કામ કરવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં દબાણ, ઉકરડા, મનરેગા આવાસની મજૂરી, ગટરલાઇન નાંખવાના, સોસાયટીના રસ્તા, સંરક્ષણ દિવાલ તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીને લગતા પ્રશ્નો સહિત કુલ ૧૨ પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ થયા હતા. જેમાં એક અરજદાર હાજર રહ્યા ન હોઇ ૧૧ પ્રશ્નોનો ઉપસ્થિત અધિકારીઓએ અરજદારોને હકારાત્મક પ્રત્યુત્તર પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પોલીસ વડા, નિવાસી નાયબ કલેકટર આર.એલ.પટેલ, મામલતદારશ્રી નડિયાદ, મહેમદાવાદ, મહુધા સહિત જિલ્લાના તથા તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
