કેન્દ્રના ખેડૂત કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન આજે વધુ આક્રમક બન્યું છે. દિલ્હી સરહદ પર હજારો ખેડૂતો આજે એક દિવસીય ભૂખ હડતાલ પર ઉતર્યા છે. તો બીજી તરફ દેશભરમાં કિસાન સંગઠનો ધરણા યોજાશે.
આજે કૃષિ કાયદા વિરુદ્ધ દેશભરમાં ભૂખ હડતાલ ચાલી રહી છે. ડઝનબંધ ખેડૂત સંગઠનો દિલ્હીમાં ભૂખ હડતાલ પર છે અને કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. ખેડુતો દ્વારા આજે ઘણા રાજમાર્ગો અવરોધિત કરવામાં આવી રહ્યા છે અને નેતાઓને ઘેરી લેવાની યોજના છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા પણ ખેડુતોની ભૂખ હડતાલને સમર્થન આપવામાં આવ્યું છે.
ખેડૂતોનું આંદોલન આજે વધુ આક્રમક અને ખેડૂતોના તેવર પણ સરકાર સામે આક્રમક જોવા મળી રહ્યા છે. એક અઠવાડિયાની અંદર ખેડૂતોનું આ બીજું દેશવ્યાપી પ્રદર્શન હશે. આ અગાઉ મંગળવારે પણ ખેડૂતોએ 'ભારત બંધ' માટે હાકલ કરી હતી. વિવિધ રાજકીય પક્ષો અને ટ્રેડ યુનિયનોએ પણ ખેડૂતોના ભારત બંધને ટેકો આપ્યો હતો. સરકાર સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો છતાં, ખેડૂતો કહે છે કે નવા કાયદા પાછી ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. બીજી તરફ સરકારમાં પણ હલનચલન જોવા મળી રહી છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રિય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમર સંયુક્ત બેઠક થઈ રહી છે. સરકારના લેખિત આશ્વાસન બાદ પણ ખેડૂતો કાયદાને સંપૂર્ણપણે પરત ખેંચવાની માંગ સાથે આંદોલન પર અડગ જોવા મળી રહ્યા છે. તબક્કાવાર વાતચીત બાદ પણ સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન નીકળી નથી શક્યું. ત્યારે આગામી વાતચીતના તબક્કાને લઈને આજે કોઈ મોટા સમાચાર આવી શકે તેવી શક્યતા પણ વર્તાઇ છે.